
રવિવારની સવાર હતી, ઘરમાં જ હું મારી ઓફિસ ચૅર પર બેસી કંઈક બોજ વગરનું કામ કરી રહ્યો હતો. ત્યારે તે રૂમની બારીમાં મેં કંઈક ચહલપહલ જોઈ. જોયું તો એક સુંદર પક્ષી જાળી પર છોડ પાસે બેસી જાણે અંદર પ્રવેશવાનો રસ્તો શોધી રહ્યો હતું.
કબૂતરના ત્રાસથી બચવા મેં થોડા જ સમય પહેલાં બધી બારીઓમાં નાની જાળી નખાવી દીધી છે. જાળી લાગ્યા પછી મને ખ્યાલ આવ્યો કે મેં કબૂતરની સાથે સાથે બધા જ પક્ષીઓનો પ્રવેશ બંધ કરી દીધો છે. અને જાણે પક્ષીઓને પિંજરામાં બંધ કરવામાં આવે તેમ અમે અમારી જાતને પિંજરામાં કેદ કરી દીધી છે…જો કે પાછલા થોડા દિવસોમાં એક બે વાર નાની ચકલીને અંદર પ્રવેશેલી જોઈ મને થોડો આનંદ થયો..
શહેરના કોન્ક્રીટની ઇમારતો અને વાહનોનો કોલાહલ આકાશમાં વિરહતા અને વૃક્ષોમાં વિશ્રાંતિ લેતા પક્ષીઓને પ્રાયઃ અનૂકુળ આવતો નથી. ક્યારેક કોઈક એકલ દોકલ પક્ષી વહેલી સવારે કે ઉતરતી બપોરના શાંત સમયે ઘરની બાલ્કનીમાં ક્યારેક ભૂલું પડ્યું હોય તેમ ઉતાવળે આંટો મારી જાય, તે પણ તમે થોડા છોડ સ્નેહે સીંચ્યાં હોય તો.
પક્ષી તો થોડી વાર જાળી પર અધ્ધર બેસી, ફાંફાં મારી ચાલ્યું ગયું પણ મારા મનને વિચારોના ગગનમાં વિહરતું કરી દીધું. પોતાની જાતને અગવડ કે ભયથી બચાવવા આપણે કેટકેટલી આવી જાળીઓ બનાવી હશે! તેનાથી આપણને સુરક્ષિતતાનો ભાસ તો થતો હશે પણ આપણે સહજ જ આપણી પાસે આવતા કેટલી લાગણીઓ, વિચારો અને અનુભવોથી આપણી જાતને વંચિત રાખતા હોઈશું! ભૌતિક રીતે બીજા પ્રાણીઓને કેદમાં રાખવા ટેવાયેલો મનુષ્ય ખરેખર પોતે ન સમજતા કેટલી સાંકળોથી બંધાયેલો છે તે ભગવાન જ જાણે!
ડો. જીજ્ઞેશ ર. મહેતા