આપણા અર્ધશિક્ષિત મિત્રો પ્રશ્નો કરતા જોવા મળે છે કે શું ભારતનું અસ્તિત્વ બ્રિટિશર્સના આવવાની પહેલા હતું? આ વાર્તાલાપમાં સંક્રાન્ત સાનુ અમુક સ્વાભાવિક તો અમુક ગહન દલીલ અને જાણકારી આપી સિદ્ધ કરે છે કે ભારતનું એક સાંસ્કૃતિક એકમ તરીકે અસ્તિત્વ હજારો વર્ષોથી રહ્યું છે, વેદ અને પુરાણના સમયથી.
“ભાઈ ઇન્ડિયા નહોતું તો ઈસ્ટ ઇન્ડિયા કંપની નામ ક્યાંથી આપ્યું?” જેવી સ્વાભાવિક દલીલ પણ આપણને આપણી વિચારશક્તિની સંકીર્ણતાનું ભાન કરાવે છે. સંક્રાન્ત સાનુ જેવા ગહન બુદ્ધિ ધરાવતા વક્તાને સાંભળ્યા પછી જ જ્ઞાન થાય છે કે ભારત અને બીજા દેશોને સંસ્થાન બનાવનારાઓએ પ્રદેશને જ કબજે નહોતો કર્યો પણ ત્યાંની પ્રજાને તેમના ઢાળેલા બીબા પ્રમાણે વિચારતા કરી દીધા છે, એક પેઢી નહિ, પેઢી દર પેઢી। વિશ્વના દરેક ખંડમાં પછી તે આફ્રિકા હોય કે ઑસ્ટ્રેલિયા કે અમેરિકા, તેમને સંસ્થાન બનાવનાર યુરોપના દેશોએ તે પ્રદેશો અને તેના લોકોને તેમની મિલકત જ ગણીને જે બૌદ્ધિક ઘમંડથી દુનિયાના ભાગલા કર્યા છે તેના દુષ્પરિણામ ભારત જ નહિ, અનેકાનેક રાષ્ટ્રો ભોગવી રહ્યા છે.
પાશ્ચાત્ય દેશો તેમની ધારણાઓ અને નમૂનાઓ પ્રમાણે વિશ્વને મૂલવે છે, અને તેમનું મૂલ્યાંકન આપણે સ્વીકારી લઈએ છે જયારે કે મૂલ્યાંકન પદ્ધતિ જ ભૂલ ભરેલી છે; તેથી આપણે ભારતને તેમની પદ્ધતિઓથી મુલવવાનું બંધ કરીએ। ભારતમાં ભાષા, રીતરિવાજ, પહેરવેશ વગેરેમાં અનેક વિવિધતા છે પણ તેના શ્રદ્ધા-સ્થાનો, તેના મહાન ગ્રંથો અને મહાન કથાઓથી તે જોડાયેલું હતું અને છે.