આપણા માટે જીજાબાઈની ઓળખાણ એટલે શિવાજીના માતા, પરંતુ તે ચરિત્ર એટલું શક્તિશાળી છે કે તેમની સ્વતંત્ર ઓળખાણ અને પ્રભાવી વ્યક્તિત્વ છે. શિવાજી મહાન બન્યા તેનું સૌથી મહત્વનું કારણ હતું જીજામાતાના ધાવણ સાથે મળેલા સંસ્કાર અને વીરતા। મહાન શિવાજી પર ઘણા નાટક અને ચલચિત્રો બન્યા છે પણ તેઓ જેમના ફરજંદ હતા તેવા જીજામાતા પોતે જ એક ચારિત્રનાયિકા તરીકેની ક્ષમતા ધરાવે છે. “રાજમાતા જીજાઉ” ચલચિત્ર તેમની વ્યક્તિગત પ્રતિભાને વર્તમાન ભારતના પ્રજાજનો સમક્ષ મૂકે છે.ભારતીય સંસ્કૃતિ પુરુષપ્રધાન હોવાના આક્ષેપો થાય છે પણ વૈદિકકાળથી શરુ કરી સ્વાતંત્ર્યસંગ્રામ સુધી અનેક વિદ્વાન, વીર અને રાજનીતિજ્ઞ એવા મહિલા ચરિત્રો પણ આ સંસ્કૃતિમાં જોવા મળે જ છે. આ ચલચિત્રમાં “જે કર ઝુલાવે પારણું, તે જગ પર કરે રાજ” એવી સબળ મા તો ચિત્રિત થાય જ છે પણ સ્વરાજ્યનું સ્વપ્ન જોનાર દૂરંદેશી, સમાજસુધારક અને બાહોશ રાજ્ધારિણી સ્ત્રી પણ પ્રસ્તુત થાય છે. ચલચિત્ર બનાવવામાં સાધનોની મર્યાદા રહી હશે પણ કથાવસ્તુ અને ચરિત્રચિત્રણ અતિ શક્તિશાળી છે.
સમીક્ષક: ડો. જીજ્ઞેશ ર મહેતા
https://www.hotstar.com/…/rajmata-jijau/1000014546/watch
Available free with English subtitles
