સરસ્વતી માતા ભારતીય સંસ્કૃતિનો અવિભાજ્ય અંગ છે. તે વિદ્યા, જ્ઞાન, ડહાપણ અને સૌંદર્યના દેવી છે. પરંતુ સરસ્વતી દેવી કે માતા બીજા સ્વરૂપમાં પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા છે અને તે છે નદીનું સ્વરૂપ. આપણે પ્રયાગરાજ જઇયે તો ત્યાં ત્રિવેણી સંગમ છે-ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ. સરસ્વતી નદી ગુપ્ત છે તેમ કહેવાય છે પરંતુ આવી વાત કેવી રીતે આવી તેવો પ્રશ્ન ઘણાના મનમાં ઉભો થતો હશે. સરસ્વતી અને યમુના નદીનો શું સંબંધ છે તે પણ શું આપણને ખબર છે?

પુરાતન ભારતીય સંસ્કૃતિ, ઋગ્વેદ અને સરસ્વતી નદી તથા સરસ્વતી દેવીનો અતૂટ સંબંધ છે. આપણે જેમ યમુનાષ્ટક ગાઈએ છીએ, ગંગા નદીના કિનારે ભક્ત જગન્નાથે ગંગાલહરી ગાયું, તેમ ઋગ્વેદમાં સરસ્વતી નદી પર એક આખું સરસ્વતી-સૂક્ત છે. તેને એક અદભુત અને અનુપમ નદી, દેવી અને માતા કહી છે. સરસ્વતી નદીનો ઉલ્લેખ ઋગ્વેદમાં અનેકવાર વખત થયેલો છે, તે હિમાલયથી શરુ કરી સમુદ્ર સુધી વહેતી હતી તેવું વર્ણન છે! આજે પણ આપણે નહાતી વખતે “ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી; નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સંનિધિમ કુરુ।” ગાઈએ છીએ. તો ભારતીય સંસ્કૃતિનો એક અતિ મહત્વનો અંગ એવી એ સરસ્વતી નદી ક્યાં છે?
ઋગ્વેદમાં સરસ્વતી નદીની ભૂગોળનું પૂર્ણ વર્ણન છે; પૂર્વથી પશ્ચિમ તરફ જતા ગંગા,યમુના, સરસ્વતી, સતુદ્રી (સતલજ) અને છેલ્લે સિંધુ એમ ક્રમ હતો (જુઓ નકશો). તમને જાણીને અચરજ થશે કે તે વખતે યમુના નદી ગંગામાં નહિ, સરસ્વતી નદીમાં ભળી જતા હતા! સરસ્વતી નદી અતિ વિશાલ હતી, હિમાલયથી શરુ કરી સમુદ્ર સુધી 4000 કિમીનો તેનો માર્ગ હતો અને ક્યાંક તો તેની પહોળાઈ 8 કિમી જેટલી હતી! અત્યારે હરિયાણા-રાજસ્થાનમાં વહેતી ઘઘ્ઘર નદી તેના પટમાં આવેલી છે. પ્રોફેસર બ્રજબાસી લાલ જેવા પુરાતત્વવિદ્દ અને છેલ્લે ઈસરૉની satellite images પણ આ વાતોને સમર્થન આપે છે.

ભૂકંપ અને તેના કારણે હિમાલય ક્ષેત્રમાં થયેલા ભૌગોલિક ફેરફારોએ યમુના નદીનો માર્ગ પણ પૂર્વ તરફ કરી દીધો અને અને તે ગંગા નદીમાં મળી ગયા. હિમાલયની હિમશીલાઓથી આવતા પાણીનો સ્ત્રોત બંધ થઇ જતા સરસ્વતી નદી ફક્ત વરસાદ પર આધારિત થઇ ગઈ. રામાયણમાં ભરત અને શત્રુઘ્ન મામાને ત્યાંથી અયોધ્યા પાછા આવતા હતા તે વખતના વર્ણનમાં સરસ્વતી નદીનો ઉલ્લેખ છે. મહાભારતમાં પણ તે લુપ્ત થવાના આરે હોય તેવું વર્ણન છે. વ્યાસમુનિ ધર્મરાજ ને કહે છે કે જેનું મૃત્યુ અકુદરતી રીતે થયું હોય તેનું શ્રાદ્ધ સરસ્વતી નદીકિનારે કરવું જોઈએ પણ તેની એક જ શાખા બચી છે.
હરપ્પા અને મોહેંજો દરો વિષે તો દરેકે સાંભળ્યું જ હશે. આ પુરાતન શહેરો સિંધુ-ખીણની સંસ્કૃતિના ભાગ ગણવામાં આવે છે. સ્વતંત્રતા મળ્યા પછી કે જયારે આ મહત્વની પુરાતત્વ સાઈટસ પાકિસ્તાનમાં જતી રહી; પણ ભારતના ભાગમાં ખનન કરવામાં આવ્યું ત્યારે રાજસ્થાનમાં કાલીબંગન, હરિયાણામાં રાખીગઢી જેવી અનેક (ગુજરાતમાં પણ લોથલ અને ધોળાવીરા) મહત્વની સાઇટ્સ મળી કે જે સરસ્વતી નદીના તટપ્રદેશમાં ગણી શકાય. આમ સિંધુ-ખીણની સંસ્કૃતિ વાસ્તવમાં તો સરસ્વતી સંસ્કૃતિ કહી શકાય. બ્રીજબિહારી લાલ તથા અન્ય વિદ્વાનોએ વૈદિક સંસ્કૃતિ એ જ આ સરસ્વતી સંસ્કૃતિ છે તે સર્વ શંકાઓનું સમાધાન થાય તે રીતે સાબિત કર્યું છે.
(પ્રોફેસર બી બી લાલ, શ્રી નિલેશ ઓક તથા અન્ય વિદ્વાનોના લેખ અને video દ્વારા મને મળેલ જ્ઞાન માટે હું તેમનો આભારી છું.)
ડો. જિજ્ઞેશ આર. મહેતા (Whatsapp: 9426372403, email: jrmehta1999@gmail.com)