કાયાવરોહણ – એક ભુલાયેલો અને ઉપેક્ષિત ઇતિહાસ

વડોદરા શહેરથી માત્ર 30 કિમી અંતરે આવેલું નાનું એવું ગામ છે, કાયાવરોહણ. વડોદરા શહેરમાં લાખો લોકો રહે છે, હજારો મુસાફરો અવરજવર કરે છે, પણ તેની જ બાજુમાં આવેલ અનેક મોટા રહસ્યો અને ઇતિહાસ છુપાવીને બેઠેલું કાયાવરોહણ ગામ ઘણા અંશે ઉપેક્ષિત રહ્યું છે.  ચાલો જાણીયે ઘણાંમાંથી થોડું, કાયાવરોહણ વિષે.

શાળામાં હતા ત્યારે પહેલીવાર કાયાવરોહણ પિકનિકમાં ગયા હતા, પછી પણ ઘણી વાર શિવમંદિરમાં દર્શન માટે ગયા હતા.  કાયાવરોહણ નામ મને કાયમ સાહિત્યિક અને વિશેષ લાગતું હતું. પણ તેની ખરી વિશેષતા તો મને થોડા દિવસો પહેલા જ જાણવા મળી. ઘણા તેનું અપભ્રંશ થયેલા નામ ‘કારવણ’થી તેને બોલાવે છે.  આવું જ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસનું થયું હશે.  જાડી જીભ અને જાડી બુદ્ધિના માણસોએ ઘણા વિચારો અને પરંપરાના બદલે ભ્રાંત ભ્રમણાઓ ઉભી કરી દીધી હશે. 

કાયાવરોહણનું સાંપ્રત મંદિર અને લકુલીશ જ્યોતિર્લિંગ

કાયા એટલે શરીર અને અવરોહણ એટલે ઉતાર (સંગીતમાં આરોહ અને અવરોહ આવે છે).  ભગવાન શિવજીએ શરીર ધારણ કર્યું એટલે દેહની મર્યાદાઓ સ્વીકારી અને પોતાના ઉત્તમ સ્વરૂપથી નીચે આવ્યા, તેને અવરોહ કહેવાય.  કહે છે કે ભગવાન શિવજી કાયાવરોહણમાં લકુલીશના સ્વરૂપમાં અવતર્યા. કાયાવરોહણનું વિશ્વામિત્ર ઋષિના સમયનું પુરાતન નામ “મેધાવતી” હતું. લકુલીશ એક બ્રાહ્મણ હતા અને તેમણે જયારે જૈન અને બૌદ્ધ ધર્મ પ્રભાવી થયા હતા ત્યારે Shaivism (પાશુપત)ને પુન:જીવન આપ્યું. તેમને ભગવાન શિવનો 28મો અવતાર માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર ભગવાન લકુલીશ કૃષ્ણના સમકાલીન હતા.

લગભગ 1500 વર્ષ સુધી ભારતવર્ષના 12 જ્યોતિર્લિંગનો વહીવટ કાયાવરોહણથી ચાલતો રહ્યો અને તેને દક્ષિણનું કાશી પણ કહેવામાં આવતું. પાશુપત (શૈવ) સંપ્રદાય એકેશ્વરવાદમાં માનતો હતો અને તેણે અન્ય સ્વરૂપોમાં (વિષ્ણુ, શક્તિ વગેરે) ભગવાનની પૂજા કરનારા વર્ગોને પણ સહજતાથી પોતાનામાં સમાવી લીધા.  પાશુપત સંપ્રદાયનો પ્રચાર, પ્રસાર અને પ્રભાવ તથા જાહોજલાલી અતિશય વધ્યા, તેનો અંદાજો એ વાતથી લગાડી શકાય કે સોમનાથનું મંદિર અનેકવાર મહમ્મદ ગઝનવી જેવા વિદેશી આક્રાંતાઓ દ્વારા લૂંટવામાં આવ્યું છતાં દરેક વખતે તે વધુ વૈભવી બનાવવામાં આવ્યું. ભગવાન લકુલીશના મુખ્ય ચાર શિષ્યોએ ભારતના જુદા જુદા ભાગોમાં જ્ઞાનપીઠો સ્થાપી અને જ્ઞાનપ્રસાર કર્યો. પોતાના અવતારનો હેતુ પૂર્ણ કર્યા પછી લકુલીશ બ્રહ્મેશ્વર, કે જેમની સ્થાપના વિશ્વામિત્રએ કરી હતી, તેમાં લીન થઇ ગયા.  કાયાવરોહણના શિવમંદિર પણ સોમનાથ મંદિરની ગતિ પામી કાળના ગર્ભમાં સંતાઈ ગયું.

કાયાવરોહણ ખાતે પુરાતન મંદિરના અવશેષો

વ ર્ષ 1955માં ડભોઈના વતની સ્વામી કૃપાળુને કાયાવરોહણ ગામવાસીઓએ કથા માટે આમંત્રણ આપ્યું અને કથાના અંતિમ દિવસે ત્યાંના મંદિરો અને ઇતિહાસથી અવગત કરાવ્યા.  બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરમાં જ્યોતિર્લિંગના દર્શન કરતાં જ તે તેમના ગુરુ અને ભગવાન લકુલીશનું જ સ્વરૂપ છે એવો તેમને સાક્ષાત્કાર થયો. આ જ્યોતિર્લિંગમાં લિંગના આગળના ભાગમાં એક ધ્યાનસ્થ યોગીની મૂર્તિ કંડારેલી છે. તે દિવસની સાંજે સ્વામી કૃપાળુને ધ્યાનસ્થ અવસ્થામાં વિશ્વામિત્ર ઋષિ અને ભગવાન લકુલીશના સમયની કાયાવરોહણની ભવ્યતાના દર્શન થયા અને આ સ્થળના પુર્નનિર્માણનો દૈવી સંદેશ મળ્યો. 

મંદિર પુનઃનિર્માણ અને જ્યોતિર્લિંગ, તળાવ કિનારેના દ્વારની કમાનમાં શિલ્પકૃતિ

5 માર્ચ 1974ના રોજ નવીન ભવ્ય મંદિરમાં જ્યોતિર્લિંગની પુનસ્થાપના થઇ. હીરાભાઈ પટેલ અને તેમના પુત્રોના દાન અને ડાહ્યાભાઈ પટેલ વગેરે ગામવાસીઓના પ્રયાસોથી આ શક્ય બન્યું એક વાત મુજબ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પછી પ્રાણપ્રતિષ્ઠા માટે કાયાવરોહણના શિવલિંગની માંગણી થઇ હતી પરંતુ ગામવાસીઓએ તે માટે સહમત થયા નહિ.  કાયાવરોહણમાં Archaeological Survey of India (ASI) દ્વારા ઉત્ખનન દરમ્યાન પુરાતન શિવમંદિર તથા ઉમામહેશ્વર, ચતુર્ભુજ દેવી, શાલભંજિકા, કૌમારીકા, નૃત્યરત ગણેશ, કાર્તિકેય, ઇન્દ્ર વગેરેની પુરાતન મૂર્તિઓ મળેલ છે જે કાયાવરોહણ ખાતેના ASIના સંગ્રહાલય ખાતે મુકવામાં આવેલ છે. ભારતીય સંસ્કૃતિની અનેક વાતોની જેમ કાયાવરોહણ પણ ખરેખર જ એક વિસરાયેલો ઇતિહાસ છે.

ઉત્ખનન દરમ્યાન મળેલી મૂર્તિઓ, જે ASI museum માં રાખવામાં આવેલ છે

Thanks to following websites and people related to them:

Kayavarohan

http://ktss.in/html/index.aspx?p32sda=newkashi&psdge87d=301&tl97abi=86

Published by Dr. J. R. Mehta

A faculty at Mechanical Engineering Department at Faculty of Technology and Engineering, The Maharaja Sayajirao University of Baroda, Vadodara. Area of interest: Air Conditioning, Energy, and Heat Transfer.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started