મનુષ્ય-વનસ્પતિ સંબંધ: મોદ અને સંબોધ

કુદરત અને જીવસૃષ્ટિનો એક અગત્યનો, અવિભાજ્ય અંગ એટલે વનસ્પતિ સૃષ્ટિ. “To be is to be related (અસ્તિત્વ હોવું એટલે સંબંધ હોવો)”.  મનુષ્ય અને વનસ્પતિસૃષ્ટિનો એક અતૂટ સંબંધ છે.  મોદ એટલે આનં;  ‘સં’ એટલે સારું, બંધ એટલે નાતો (bond) અને બોધ એટલે સમજ (understanding). આમ સંબંધ (relation) એટલે ઉચિત નાતો અને સંબોધ એટલે સારું અથવા યોગ્ય જ્ઞાન.  મનુષ્ય વનસ્પતિસૃષ્ટિ સાથે સંબંધ બાંધે અને તેની સાથે મનથી જોડાય તેની મનુષ્યના મન પર હકારાત્મક કે વિધાયક અસર થાય છે અને મનને પુષ્ટિ તથા સંબોધ (wisdom) મળે છે એવું હું આ લેખ દ્વારા સંદેશ આપવા માંગુ છું.

આજે સમાજ શહેરો તરફ દોડી રહ્યો છે, આ દોડ નજીકના સમયમાં તો અટકે તેવું લાગતું નથી.  આજના સમયમાં, ખાસ કરીને શહેરોના ઘરમાં જગ્યાની તંગી વર્તાય છે.  માણસો માટે, ઘણીવાર કુટુંબીજનો માટે, સગાવહાલા માટે કે મહેમાનો માટે આપણા ઘરમાં (અને દિલમાં!) જગ્યાનો અભાવ છે.  શહેરમાં રહીને, શહેરી જીવન પદ્ધતિ અપનાવીને આપણે ઘણા સંબંધો ભૂલાવી દીધા છે.  હું ફક્ત માણસના માણસ સાથેના સંબંધની વાત નથી કરતો… આપણે પશુ-પક્ષી, વૃક્ષ-વનસ્પતિ અને પંચમહાભૂતો (માટી, જળ, આકાશ, વાયુ અને પ્રકાશ) સાથેનો આપણા તન અને મનનો સંબંધ મહદ્દઅંશે વિસરાવી દીધો છે.  આપણા ઘરે દૂધ ડેરી માંથી આવે છે અથવા ભૈયો આપી જાય છે; ગાય દૂધ આપે છે તે જાણકારી આપણને છે પણ ગાય સાથે આપણો સંબંધ તૂટી ગયો છે.  આ પરિસ્થિતિમાં આપણો સર્વાંગી વિકાસ થવાના બદલે એકાંગી વિકાસ જ થાય છે.  વ્યક્તિગત વિકાસના ઘણા પરિમાણો (dimensions) કે અંગો તો કુપોષિત જ રહી જાય છે. 

અહીં હું જયારે પોષણની વાત કરું છું ત્યારે આંતરવિકાસ (internal development)ની વાત કરું છું.  દુનિયા ફક્ત દૂર થી જોઈને જેને મૂલવે છે તે વિકાસ કે વ્યક્તિત્વ (personality)ની વાત કરતો નથી.  આજના કાળમાં આપણે શરીરના પોષણ વિષે તો ઘણા જાગૃત થયા છીએ પણ મનના પોષણનું જ્ઞાન કે સમજ કોઈ આપતું નથી.  ગાયની પૂજા, તુલસીપૂજા કે પીપળાની પૂજા વગેરે જેવી ધાર્મિક કે સામાજિક પરંપરા કાં તો સમજ વગરની ઘરેડ (routine) બની ગઈ છે અથવા કેટલાકે તેને અપ્રસ્તુત (irrelevant) માનીને છોડી દીધી છે.  ઈશ્વર-નિર્મિત કુદરત અને જીવસૃષ્ટિ સાથેનો તંદુરસ્ત સંબંધ જ આપણા મનને પુષ્ટ બનાવી શકે.

આજના કાળમાં અનેકાનેક સગવડો વધવા છતાં સુખ તો માણસ માટે મૃગજળ (miraj) જ રહ્યું છે, મૃગજળનો પીછો દોડીને કરો કે બળદગાડી કે ATV લઈને કરો, તેને પકડી શકશો જ નહિ!  આધુનિક મનુષ્યે મનુષ્યનીર્મિત વસ્તુઓ સાથે જ સંબંધ વધાર્યો છે, નિસર્ગ સાથેનો તેનો નાતો બહુ ઓછો થઇ ગયો છે.  કુદરત તો જાણે આપણી બહુ જ દૂરની સંબંધી છે જેને આપણે ઓળખીયે તો છે પણ ક્યારેક જ મળીયે છીએ અને ખરેખર તેની નજીક જતા જ નથી!  

તો શહેરમાં રહીને પણ આપણે વનસ્પતિસૃષ્ટિ સાથે સંબંધ કેવી રીતે જાળવી  શકીએ?  આપણે આપણા મકાનના કમ્પાઉન્ડમાં અથવા ફ્લેટની બાલ્કનીમાં કુંડામાં પણ છોડ વાવી શકીએ અને તેની સાથે સંબંધ બાંધી અને જાળવી શકીએ.   

વનસ્પતિ સાથેનો સંબંધ આપણા મનની વીણાના તારોને કેવી રીતે ઝણઝણાવે છે?  કુંડામાં બીજ વાવ્યા પછી છોડ કે લતા (વેલ)ના વિકાસ નું દરેક પગથિયું તમારા મનને સ્પર્શે છે. નાનપણમાં આપણા પાસે એક ‘કુતુહલ’ (wonder)ની ભાવના હોય છે, આપણી આસપાસની જગતની ઘણી વસ્તુ આપણને વિસ્મયકારક લાગતી હતી. નવી વસ્તુને જોઈને જિજ્ઞાષા થતી હતી અને આપણે તેનું નિરીક્ષણ કરીને નવું-નવું શીખતાં હતા.  મન પણ નવીનતા જોઈને અને જાણીને પ્રસન્ન થતું હતું.  આપણે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ અતિ વ્યવહારુ અને પરિણામલક્ષી થતા ગયા; કુતુહલની ભાવના કહેવાતા ‘સમયના અભાવે’ કરમાતી ગઈ.  પરંતુ આ કુતુહલ ની ભાવના છોડનો ઉછેર કરવાની પ્રક્રિયામાં પોષાય છે એવો મારો સ્વાનુભાવ છે. 

બીજ વાવ્યા પછી તરત જ અંકૂર ફૂટીને બહાર આવતું નથી. કઠોર દેખાતા બીજમાંથી કોમળ અંકૂર ફૂટે અને કોમળ લાગતું અંકુર કઠોર માટીના થરને ભેદીને બહાર નીકળે, આ પ્રક્રિયામાં સહજ જ પાંચ-સાત દિવસ તો લાગે. જ્યાં સુધી બીજમાંથી અંકૂર ફૂટી જમીનમાંથી બહાર ના આવે ત્યાર સુધીનો સમય એક સાધના જેવો લાગે છે અને સફળતા મળશે કે નિષ્ફળતા, તેવી મનમાં દ્વિધા રહે છે.  અંકુર ફૂટીને માટીની બહાર આવે તે જાણે એક સફળતાનો એહસાસ કરાવે છે.  અંકુરિત થયા પછી અને છોડનું સ્વરૂપ ધારણ કર્યા પછી છોડ પર રોજ ફૂટતી નવી કુંપળો, ક્યારેક ખીલતા ફૂલો, ક્યારેક વિકસતા ફળો વગેરે એક જ ઘરેડમાં જીવતા રહેલા માણસને નિત્ય-નવીનતા નો અહેસાસ કરાવે છે.  (શ્રીકૃષ્ણાષ્ટકમમાં શ્રીમદ્દ આદ્યશંકરાચાર્ય કૃષ્ણ ભગવાનને “દિને દિને નવં નવં” કહે છે!)

મોટા ભાગના આનંદો ભગવાને મનુષ્યો વચ્ચે સરખી રીતે વહેંચ્યા છે પણ વસ્તુ આધારિત આનંદો પરના વધુ પડતા અવલંબન (dependence)ને કારણે મોટા ભાગનો સમાજ આપણને દુઃખી દેખાય છે.  કોઈની પણ balconyમાં ઉગતો છોડ તેની રીતે  પાંગરે છે; તેને ખબર નથી કે તે ઝુંપડીની નજીક છે કે મહેલના પ્રાંગણમાં છે!  તે કઈ જાતિ કે કયો ધર્મ પાળતા વ્યક્તિના ઘરમાં છે તેની પર તેનો વિકાસ આધારિત નથી.  કુદરતની માટે દરેક મનુષ્ય સમાન છે તેથી જ કદાચ મનુષ્યના સમાજમાંથી બહાર નીકળીને આપણે થોડો સમય કુદરત સાથે જ વિતાવવો જોઈએ.  વનસ્પતિ પણ એક જીવસૃષ્ટિ છે, પરંતુ તે મનુષ્યસૃષ્ટિ જેવી સ્વાર્થ અને આડંબરથી ખરડાયેલી નથી. તેનો હરિત રંગ આંખો અને મનને હંમેશા શાંતિ આપે છે. તમે વૃક્ષ અને છોડની નજીક હો છો, માટીથી તમારા હાથ ખરડાયેલા હોય ત્યારે તમે તમારા અસ્તિત્વની નજીક હો છો કેમ કે આખરે તો આ શરીર માટીમાંથી જ બનેલું છે, ખરું ને!

વૃક્ષ કે છોડ નો વિકાસ થવા માટે તેના મૂળ જમીનમાં જામવા, સ્થિર થવા અને માટીમાં ઊંડા જવા જરૂરી છે.  મૂળ જમીનની અંદર હોવાથી આંખોથી દેખાતા નથી પણ તે વૃક્ષનું સૌથી જરૃરી અંગ છે.  નજરની સામે ન દેખાતી વસ્તુ કે વ્યક્તિને કે તેના મહત્વને આપણે ઘણીવાર ભૂલી જઇયે છીએ.  તે જ રીતે  કોઈ પણ બાબતનો મૂળથી વિચાર કરવો જરૂરી છે, જે મૂળભૂત વાતને સમજી શકે તે વ્યક્તિ જ વસ્તુને પૂર્ણતઃ સમજી શકે. સપાટીની ઉપરનું જ વિચારી શકનારનું જ્ઞાન ઉપલકિયું (superficial) જ કહેવાય.  મૂળ જામેલા હોય અને છોડના ઉપરના ભાગને નુકશાન પહોંચે તો નવા પાંદડા, ફળ અને ફૂલ આવી શકે પણ આનું ઉલ્ટું બિલકુલ સત્ય નથી.  આમ ઉપર ઉપર ના સુશોભન કરતા પણ મૂળભૂત કામ થવું વધુ જરૂરી છે.  જેમ કે શિક્ષણ  (જ્ઞાનોપાસના) એ પાયાનું કામ છે; અન્નક્ષેત્ર હોવું સારું છે પણ તે સમાજના મૂળ મજબૂત બનાવવાનું કામ નથી.  કમનસીબે આજના ફાસ્ટફૂડના અને તત્કાલ પરિણામ માંગતા સમયમાં કોઈને મૂળભૂત કામો કરવાની ધીરજ નથી અને મૂળભૂત કામ માટે રોકાણ કરવું બિનઉત્પાદક (non-productive) ખર્ચો લાગે છે.

મૂળ વિષે જ અન્ય એક અવલોકન કરીએ: ઘણી વાર છોડ ઉપરથી ઘણો નાનો હોય છે પણ તેના મૂળિયાં ઘણા જ ઊંડા ગયેલા અથવા પ્રસરેલા હોય છે. આમ કોઈ પણ વ્યક્તિ, પ્રવૃત્તિ કે પરંપરાને ઉપરછલ્લી રીતે મૂલવવાથી થાપ ખાઈ જવાની પૂર્ણ શક્યતા રહેલી છે.  વસ્તુસ્થિતિમાં ઊંડા ઉતાર્યા સિવાય તેનું મૂલ્યાંકન મહદંશે ગેરમાર્ગે દોરે છે.

આજનો સમય વિપુલતા(abundance)નો સમય છે (જો કે સમાજના દરેક વર્ગ માટે આ વાત સાચી નથી). આપણા જેવા વિશેષાધિકૃત (privileged) વર્ગ પાસે પૈસાથી અનેક વસ્તુઓ વિપુલ માત્રામાં ખરીદવાની શક્તિ છે.  તેના કારણે મહદ્દઅંશે આપણને વસ્તુનું મહત્વ સમજાતું નથી અને ઘણી બાબતો આપણે ગૃહીત જ લઇ (taken for granted) લઈએ છીએ. આનાથી વિપરીત, તમે મહેનતથી અને ધીરજપૂર્વક જાતે ઉછેરેલ તમારા પ્રાંગણના છોડનું એક એક પાંદડું તમને મૂલ્યવાન લાગશે.  ઘરે ઉગાડેલા ધાણા કે ફૂદીનાનું એક એક પાંદડાની સુગંધ તમે લેશો અને એક એક પાંદડાને તમે સાચવીને વાપરશો. માર્કેટમાંથી તમે ધાણાની, મેથીની અને ફુદીનાની ઝૂડીઓ ખરીદીને લાવશો પણ તેનું મૂલ્ય તમને નહિ લાગે. ઘરે ઉગાડેલ મૂળાનો એક એક કટકો તમે માણીને ખાશો, કરમચંદ દાંતથી ગાજરના બેરહેમીથી ટુકડા કરતો, તેવું તમે નહિ કરી શકો! 

મનુષ્યના સમાજમાં તમને ભાત-ભાતના લોકો જોવા મળે છે.  અલગ અલગ રંગ અને રૂપ, તેમ સ્વભાવ પણ અલગ અલગ.  કોઈ બોલે ઓછું અને કામ વધારે કરે તો કોઈ ફક્ત તેની શોભા કે સુંદરતાથી જ બીજાને પ્રભાવિત કરે.  આવી જ વિવિધતા વનસ્પતિ-સૃષ્ટિમાં પણ જોવા મળે છે. આ બારમાસીનો છોડ કેવો રોજ ફૂલો લાવીને તમારું ધ્યાન ખેંચ્યા વગર તેની સાદગી ભરી સુન્દરતા ધારણ કરી ઉભો રહે છે! રોજ તેના ફૂલો ખરીને નીચે પડે છે અને રોજ તે નવા ફૂલ ઉગાડે છે. ક્યારેક જ ફૂલો ધારણ કરતા ગુલાબનું કૌતૂક સહુ કરે છે પણ સાદગીભરી સુન્દરતા ધરાનાર બારમાસી તમારા ધ્યાન આપવાની અપેક્ષા વગર જ તેનું કાર્ય કરે છે.

મનુષ્ય-વનસ્પતિના સંબંધ અને તે મનને કેવી રીતે આનંદ આપે છે તેની વાત કરી રહ્યા છીએ. પણ કોઈ પણ સંબંધ સુખ પણ લાવે છે અને દુઃખ પણ આપી શકે છે. છોડનો વિકાસ આનંદ આપે છે પણ ક્યારેક કોઈ કારણસર તે કરમાઈ જાય ત્યારે દિલ દુભાય પણ છે. સ્વાર્થ ન સધાતા, વસ્તુ ન મળતા અથવા કોઈ વ્યક્તિ અપેક્ષાથી વિપરીત વર્તન કરે ત્યારે થતા દુઃખ અને આ દુઃખમાં ઘણો જ ફરક છે.  આમ જોતાં દરેક દુઃખ ખરાબ નથી, કોઈ કોઈ દુઃખ દિલને શુદ્ધતા તરફ પણ લઇ જાય છે.

છોડના અલગ અલગ ભાગ વિષે વિચાર કરો…મૂળ, થડ અને પાંદડા. મૂળ જમીનમાં દટાઈને, માટીના કણકણ સુધી પહોંચી પાણી અને પોષક તત્વો થડ દ્વારા પાંદડા સુધી પહોંચાડે છે. પાંદડા તેનો ઉપયોગ કરી પ્રકાશ-સંશ્લેષણ (photosynthesis)ની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવી ફળ અને ફૂલ ખીલવે છે.  આમ વૃક્ષનો દરેક ભાગ એક-બીજાની મદદ લઇ, પોતાનું કાર્ય અવિરત કરીને જોઈતું ફળ મેળવે છે.  કોઈ તંત્ર કેવી રીતે ચાલવું જોઈએ તેનું ઉદાહરણ જેમ મનુષ્યદેહ છે તેમ વૃક્ષ-વનસ્પતિ પણ છે.

વનસ્પતિ નો વિકાસ ઘણી વાતો પાર આધાર રાખે છે, બીજ ની ગુણવત્તા, માટીની ફળદ્રુપતા, વાતાવરણ અને ભાગ્ય. આવું જ મનુષ્યજીવન અને સફળતા માટે છે. બીજની ગુણવત્તા તે જન્માંતર થી મેળવેલ મન અને બુદ્ધિ છે. માટી અને વાતાવરણ કુટુંબ અને આસપાસનો સમાજ છે. આ બધી જ બાબતોથી ઉપર એક શક્તિ છે, જે ભગવાન અથવા તેમને ઉભી કરેલ શ્રુષ્ટિની યંત્રણા છે.  માટીમાં અલગ અલગ તત્વો (carbon, nitrogen વગેરે) છે પણ તે છોડ સીધા જ મેળવી શકતો નથી. આ તત્વો પહેલા પાણીમાં ઓગાળવા જોઈએ અને પછી જ તે મૂળિયાં વાટે વનસ્પતિ શોષી શકે છે. તેમ માણસ પણ જ્ઞાન સીધું જ ગ્રહણ કરી શકતો નથી; જ્ઞાન ને પહેલા પ્રેમ-ભાવમાં ઓગાળવું પડે અને પછી જ તે ગ્રાહ્ય અને સુપાચ્ય બને છે. એકલું જ્ઞાન શુષ્ક છે અને સામાન્ય માણસ ઉપાડી શકતો નથી. તેને પ્રેમ, ભાવ કે લાગણીમાં ઓગાળીને પીવડાવવું પડે છે. તેથી જ કહ્યું છે કે “એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે”.  માતાનું આપેલું જ્ઞાન ધાવણની જેમ પચી જાય છે અને સંસ્કાર બની જાય છે.

એક જ માટીમાં એક જેવા દેખાતા બીજ નો પણ અંકુરિત થવાનો અને વિકાસ થવાનો સમય અને ગતિ અલગ હોય છે. બીજની અંદર વૃક્ષનો નકશો છે પણ મનુષ્ય તે જોઈ શકતો નથી, કુદરતની લીલા દુર્બોધ છે, બુદ્ધિને દુર્ગમ્ય, બુદ્ધિથી પરે (unintelligible) છે.  જેમ સરખા દેખાતા બીજમાંથી બનતા છોડનો વિકાસ સરખો નથી હોતો તેમ મનુષ્યના દરેક બાળકનો વિકાસ પણ સરખો ના જ હોય પણ ઉતાવળો અને અજ્ઞાન માણસ તરત સરખામણી કરવા માંડે છે. માણસ પાસે સરખામણી કરવાની સમજ અને શક્તિ પણ કેટલી સીમિત છે!  છોડને તેની રીતે વિકાસ થવાદો ફક્ત યોગ્ય સમયે ખાતર અને પાણી અપાતા રહો. હા, દરેક પ્રકારના છોડના વિકાસ માટેની જાણકારી પણ જરૂરી છે અને તે પ્રમાણે તેને વાતાવરણ પૂરું પડવું જોઈએ. તે જ કામ ગુરુ અને શિક્ષકનું પણ હોય, જે અતિશય અઘરું કામ છે. ખરેખર બહારના વિશ્વનું અપરંપાર જ્ઞાન ધરાવતા મનુષ્યનું પોતાની અંદર ભરેલા મસાલા વિષે જ્ઞાન કેટલું મર્યાદિત છે!

Be yourself; Everyone else is already taken.

— Oscar Wilde.

This is the first post on my new blog. I’m just getting this new blog going, so stay tuned for more. Subscribe below to get notified when I post new updates.

Published by Dr. J. R. Mehta

A faculty at Mechanical Engineering Department at Faculty of Technology and Engineering, The Maharaja Sayajirao University of Baroda, Vadodara. Area of interest: Air Conditioning, Energy, and Heat Transfer.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started