વિશ્વ મહિલા દિવસ વખતે સ્ત્રી અને પુરુષની સમાનતા વિષે અને સ્ત્રી પુરુષ સમોવડી છે, તેવી વાતો અચૂક સાંભળવા મળશે જ. દુર્ભાગ્યપણે ઘણી વાર આવી વાતોમાં બુદ્ધિ, વિચાર કે સમજણની ઊંડાણ નો અભાવ દેખાય છે.
પહેલાથી આપણી બુદ્ધિને એવું જ શીખવાડવામાં આવ્યું છે કે દ્વંદ્વ (બે વિરોધાભાસી કે ભિન્ન વાતો)માંની એક વાત સારી હોય અને તેની વિરોધી વાત ખરાબ જ હોય. જેમ કે ઊંચું અને નીચું, તેમાં ઊંચું સારું અને નીચું ખરાબ. પરંતુ આ ખ્યાલ (વિભાવના) ભૂલ ભરેલી છે. ઊંટ ઊંચું હોય તે સારું છે તો ઘેંટુ નીચું છે તે ખરાબ નથી. દરેકને પોતાનું સહજ (પ્રભુદત્ત) સ્વરૂપ અને સ્વભાવ છે અને તે અદ્વિતીયતા (uniqueness) તે સાચવી રાખે તે જ યોગ્ય છે, નહિ કે દેખાદેખી કરી પોતાનું મૂળ સ્વરૂપ છોડી અન્ય જેવું બનવાનો પ્રયત્ન કરે.
સિંહ શ્રેષ્ઠ કે વાઘ? સિંહને જંગલના રાજાનો દરજ્જો મળ્યો તો વાઘને ખરાબ લાગ્યું અને કોઈકે વાઘને કહ્યું કે તું પણ સિંહના જેવી કેશવાની (ચહેરા પરના વાળ) પહેરવા લાગ તો તને પણ સિંહ જેટલું જ સન્માન મળશે. વાઘ ભૂલી ગયો કે મારા ચટાપટા (strips)ની સુંદરતા જ મારી ઓળખાણ છે ભલે મને કોઈ જંગલનો રાજા કહે કે ના કહે. શિક્ષક શ્રેષ્ઠ કે સૈનિક? સૈનિક દેશની સરહદો બચાવે છે તો શિક્ષક મજબૂત નાગરિકોનું સર્જન કરી શકે છે. આમ બેઉ પોતાની ભૂમિકામાં જ શ્રેષ્ઠ બની શકે છે. स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः। स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु।। ગીતા-18.45।।
સમાનતા સારી છે તો શું અસમાનતા ખરાબ છે? ભિન્નતાના અર્થમાં લઈએ તો અસમાનતા ખરાબ નથી. બધા જ વ્યક્તિ એક જ બીબામાં ઢાળેલા હોય તેવા સ્વરૂપ અને સ્વભાવ ધરાવતા હોય તો આપણને જીવન જીવવું ગમે? ચોક્કસપણે નહિ જ. ભિન્નતા છે તો જ સૃષ્ટિની સુંદરતા છે.
સ્ત્રી શ્રેષ્ઠ કે પુરુષ આ પ્રશ્ન જ અસ્થાને છે. મા શ્રેષ્ઠ કે પિતા? ભાઈ શ્રેષ્ઠ કે બહેન? આ બધા જ પ્રશ્નો અસ્થાને છે. દરેકને પોતાનું વ્યક્તિત્વ અને પોતાની ભૂમિકા (role) છે, જે ભિન્ન છે અને તો જ સંસારમાં આનંદ છે. સ્ત્રી અને પુરુષ સમાન નથી તેમ હું કહું તેનો અર્થ એ નથી કે એક શ્રેષ્ઠ (superior) છે અને બીજું હીન કે કનિષ્ઠ (inferior). સ્ત્રી અને પુરુષ સમાન નથી તેનો અર્થ કે તેઓ ભિન્ન છે. એક English book ના શીર્ષક મુજબ કહીયે તો “Men are from Mars and women from Venus”.
દરેક વ્યક્તિ કે વર્ગ પોતાની ભિન્નતા સાથે શ્રેષ્ઠ રહી શકે. મારા મતે સ્ત્રીએ તેની શ્રેષ્ઠતા બતાવવા પુરુષ પ્રભુત્વવાળા દરેક કામો કરી બતાવવા જરૂરી નથી. સ્ત્રી કદાચ શ્રેષ્ઠ army officer નહિ બની બતાવે તો ચાલશે, એક શિક્ષક તરીકે તેની ઉત્તમતા નિર્વિવાદિત (undisputed) જ છે. સ્ત્રી અને પુરુષ જીવશાસ્ત્ર (biology)ની રીતે ભિન્ન છે તો માનસિક રીતે પણ ભિન્ન છે જ. મૃદુતાનો ગુણ સ્ત્રીને વધારે શોભશે તો પરાક્રમ પુરુષને વધારે શોભશે. સ્ત્રી જ માતા બની શકશે અને મમતાનો ગુણ વધારે તેને જ શોભશે. ભવિષ્યમાં કદાચ વિજ્ઞાન પુરુષ માટે માતા બનવાનું શક્ય બનાવે તો સંસારની સુંદરતા જ મરી જશે. આવા ખતરનાક પ્રયોગોથી મનુષ્યના મનુષ્યત્વનો જ નાશ થઇ જશે. તો વિશ્વ મહિલા દિવસના પ્રસંગે સ્ત્રીને સશક્ત બનાવવા (women empowerment)ના તો પ્રયત્ન તો કરીયે પણ સાથે સ્ત્રીના સ્ત્રીત્વના ગુણોને સંભાળીએ અને સંવર્ધન કરીએ.